સુપ્રીમ કોર્ટ સજાતીય લગ્નની માગણીના મુદ્દે આજે ચૂકાદો આપે તેવી શક્યતા

- 17 Oct, 2023
સજાતીય લગ્નને મંજૂરી આપવાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમની બંધારણી બેંચે આ વર્ષે ૧૧મી મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને માન્યતા આપવાની માગણીનો વિરોધ કર્યો હતો અને તેનાથી લગ્નસંસ્થાનું માળખું નબળું પડશે એવું કહ્યું હતું.
સજાતીય કપલ્સને લગ્નની મંજૂરી આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ મુદ્દે મુખ્ય ન્યાયધીશ ડી. વાઈ. ચંદ્રચૂડની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચાલુ વર્ષે મે માસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૦ દિવસ સુધી આ મામલે સુનાવણી ચાલી હતી. તે પહેલાં કેન્દ્ર સરકારે તેમનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે સજાતીય લગ્નોને માન્યતા આપવાથી લગ્ન સંસ્થા પર અસર થશે. બંધારણીય બેંચમાં સીજેઆઈ ઉપરાંત ન્યાયધીશો - કિશન કૌલ, એસ. રવિન્દ્ર ભટ્ટ, હેમા કોહલી, પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.
સજાતીય લગ્નની માગણીમાં અરજદારોનું કહેવું હતું કે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી સજાતીયતાને ગુનો માનવાની કલમ રદ્ કરી હતી. તેના કારણે બે વયસ્કો વચ્ચે સહમતીથી સજાતીય સંબંધ બંધાય તો એ ગુનો નથી. એવી સ્થિતિમાં હવે સજાતીય લગ્નને મંજૂરી આપવી યોગ્ય રહેશે. એ માગણીના સંદર્ભમાં હવે ચુકાદો આવવાનો છે.