:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભ્રષ્ટાચારને રોકવા હવે જજસાહેબ મેદાનમાં: લોકસભાની ચુંટણીમાં ઊભા રહેશે...

top-news
  • 12 Mar, 2024

તે કોઇ ફિલ્મી ડ્રામાથી કમ નથી. રાજકિય પક્ષ  દ્વારા હાઇકોર્ટમાં જજને પડકાર ફેંકવામાં આવે અને કહેવામાં આવે કે જજસાહેબ, રાજનીતિ એટલે શું, એ તમને ખબર ના પડે..એવુ હોય તો રાજકારણમાં આવો અને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરો તો ખબર પડે કે કેટલા વીસે સો થાય...!? અને જજ...હાઇકોર્ટના જજ... તે સાંભળીને પડકાર ઝીલી લે અને જજપદેથી જાણે કે પટકથા અનુસાર ફટાફટ રાજીનામુ આપી દે છે અને ટીએમસીને હરાવવા રાજકીય પક્ષમાં જોડાઇને  ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરે છે...!

ના, આ કોઇ ફિલ્મનો સીન નથી. હાં એટલુ ખરૂ કે  બંગાળની ધરતી પર જે બની રહ્યું છે તે જોઇને કોઇ ફિલ્મમાં એ ડાયલોગ અને એવા દ્રશ્યો હવે પછી જોવા મળે તો નવાઇ નહીં...! ભારતના રાજકારણમાં લશ્કરના નિવૃત વડા વીકે સિંગ રાજકારણમાં જોડાયા છે, કેટલાક આઇપીએસ પોલીસની ખાખી વર્દી ઉતારીને ખાદીના કપડા પહેરીને રાતોરાત રાજકીય પક્ષમાં જોડાયા અને તરત તેમને ટિકિટ પણ આપી દેવામાં આવી હોય, એવુ પણ બન્યુ છે. 

આઇએએસ પણ નોકરી છોડીને રાજકારણમાં જોડાયાનું નોંધાયુ છે. સમાજના લગભગ દરેક  સેક્ટરના  લોકો રાજકારણમાં આવ્યાં પણ ચાલુ ફરજે-સીટીંગ જજ- રાજીનામુ આપીને રાજકારણમાં પ્રવેશવુ એવુ પહેલીવાર બન્યુ છે.

રામ મંદિર બનાવવાનો ચુકાદો આપનાર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને નિવૃતિ બાદ લગભગ તરત જ રાજ્યસભાના સાંસદ બનતા ભારતે જોયા છે. અને સામાન્ય રીતે ન્યાયતંત્રમાંથી નિવૃત થયા પછી પણ ભાગ્યે જ કોઇ જજ રાજકારણમાં આવતા હોય. પણ ચાલુ ફરજે જજની નોકરી છોડીને હાં, હું હવે પોલીટીક્સમાં જોડાઇશ અને ચૂંટણીમાં ઉભો રહીશ...એમ ખોંખારીને કહે અને વટ કે સાથ રાજીનામુ આપી દે...એવુ તો આઝાદ ભારતમાં  પહેલીવાર બની રહ્યું છે. અને ફિલ્મી અંદાજમાં કહીએ તો યે ક્યા હો રહા હૈ...?!

ક્રાંતિવીરોની ભૂમિ ગણાતી બંગાળની ધરતી પર બનેલી એક ઘટનાની નોંધ ઇતિહાસમાં લેવાઇ ગઇ છે. જેમાં કોલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગાંગુલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભિજીત ગાંગુલી 7 માર્ચે ભાજપમાં જોડાશે. અભિજીત ગાંગુલીએ કહ્યું કે ટીએમસી સામે માત્ર ભાજપ જ લડી શકે છે. પાર્ટીમાં પોતાની ભૂમિકાને લઈને તેમણે કહ્યું કે આ હાઈકમાન્ડ નક્કી કરશે કે હું કઈ સીટ પરથી ચૂંટણી લડીશ.

છેલ્લાં બે વર્ષમાં જસ્ટિસ અભિજીત ગાંગુલી કે ગંગોપાધ્યાય અવારનવાર મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં તેમના શાસનની ટીકા કરતા જોવા મળ્યા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે જસ્ટિસ ગાંગુલી ભાજપની ટિકિટ પર તમલુક લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં તમલુક બેઠક પર ટીએમસીના દિબ્યેન્દુ અધિકારીએ જીત મેળવી હતી.

તમલુક બેઠક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. 2009ની ચૂંટણી પછીથી ટીએમસી પાર્ટીએ આ બેઠક પર વિજય મેળવ્યો છે. જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે શાસક પક્ષના ટોણાને કારણે મને આ પગલું ભરવાની ફરજ પડી છે. તેના મહેણાં-ટોણાં અને નિવેદનોએ મને આ પગલું ભરવા માટે પ્રેર્યો છે.સત્તા પક્ષે મારું ઘણી વાર અપમાન કર્યું છે. તેમના પ્રવક્તાઓએ મારા પર અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મને લાગે છે કે તેમને પોતાની શિક્ષાને લઇને સમસ્યા છે.

જમીન મહેસૂલ અધિકારી તરીકે તેમણે સ્થાનિક ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનું શરૂ થયું. આ પછી તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. પછી તે કોલકાતા પાછા ગયા હતા. ત્યારબાદ તેમણે કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી અને ઘણી વીમા કંપનીઓ અને વીમા નિયમનકાર માટે પેનલ સલાહકાર તરીકે કામ કરતા રહ્યા હતા.

જસ્ટિસ ગાંગુલી તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન વિવાદોમાં ફસાયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં વરિષ્ઠ ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ સાથે તેઓ અસંમત હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં મેડિકલ એડમિશનમાં કથિત અનિયમિતતાઓની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને નિર્દેશિત કરવાના તેમના આદેશ અંગે ડિવિઝન બેંચ દ્વારા જારી કરાયેલા સ્ટે ઓર્ડરને ફગાવી દીધો હતો, 

પરંતુ તેમણે જસ્ટિસ સૌમેન સેન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અસામાન્ય ઘટનામાં ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે ન્યાયમૂર્તિ સેન પર રાજ્યના શાસન વ્યવસ્થાની તરફેણમાં ‘ગેરવર્તન’ અને રાજકીય પક્ષપાતને આશ્રય આપવાનો આરોપ મૂક્યો હતો.

ગયા વર્ષની શરૂઆતમાં, કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગાંગુલીની રાજ્યમાં નોકરી માટેના કુખ્યાત રોકડ કૌભાંડ અંગે સ્થાનિક બંગાળી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપવા બદલ સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી હતી, ત્યારે તેઓ આ કૌભાંડ સંબંધિત બાબતોની બેચના અધ્યક્ષ હતા.

 આ ઈન્ટરવ્યુમાં જસ્ટિસ ગાંગુલીએ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ કથિત રીતે આક્ષેપો કર્યા હતા. જ્યારે બેનર્જીએ આ નિવેદનો સામે તેમના વાંધાઓ સાથે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો, ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું કે ન્યાયાધીશોને ટેલિવિઝન ઇન્ટરવ્યુ આપવાનો કોઈ વ્યવસાય નથી અને પ્રાથમિક શિક્ષકોની ભરતી કૌભાંડને લગતી બાકીની તમામ કાર્યવાહી જસ્ટિસ ગંગોપાધ્યાય પાસેથી કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટી.એસ.શિવગ્નનમની બેંચને ફરીથી સોંપવા સૂચના આપી હતી.

કલકત્તા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયે રવિવારે  બંગાળી ન્યૂઝ ચેનલ એબીપી આનંદને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મને શાસક પક્ષ (ટીએમસી)ના નેતાઓ દ્વારા મને ઘણી વખત (રાજકીય) મેદાનમાં આવવા અને લડવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેથી મેં પણ વિચાર્યું કે કેમ ના મેદાનમાં ઉતરવામાં આવે...!.

જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું હતું કે જો તેમને ટિકિટ આપવામાં આવશે તો તેઓ ચૂંટણી લડશે, પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાવાના છે તેનો ઉલ્લેખ કર્યો નથી.
ઈન્ટરવ્યુમાં જજે મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસીની ટીકા કરતાં  કહે છે કે,  બંગાળ રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ છે. અને તેઓ કોર્ટરૂમથી સામાન્ય લોકો સુધી પહોંચી શક્યા નથી. તેથી હવે રાજીનામુ આપીને લોકોની વચ્ચે જશે.

એક બંગાળી તરીકે હું આ વાત સ્વીકારી શકું તેમ નથી કે જેઓ શાસકો તરીકે ઉભરી આવ્યા છે તેઓ રાજ્યને ફાયદો પહોંચાડી શકતા નથી. હું પડકારનો સ્વીકાર કરીશ. જસ્ટિસ ગંગોપાધ્યાયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના પ્રદેશ પ્રવક્તા દેબાંગશુ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે તેઓ એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા છે. અમને સાચા સાબિત કરવા બદલ અમે આજે તેમનો આભાર માનીએ છીએ.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદારે ગંગોપાધ્યાયના રાજકારણમાં જોડાવાના નિર્ણયને આવકાર્યો છે..તેમણે કહ્યું કે અભિજિત ગંગોપાધ્યાય જેવા લોકોનું રાજકારણમાં આવવું દેશની તરફેણમાં છે. મને લાગે છે કે ભાજપ તેમની સ્વાભાવિક પસંદગી હશે.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટી ગંગોપાધ્યાયનું સ્વાગત કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર સામે એક યોદ્ધા છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાવા માગતા હોય તો અમે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીશું. તે ફાઇટર છે. જો તેઓ ભાજપમાં જોડાય છે તો વૈચારિક રીતે અમે (તેમને) ટેકો આપી શકીએ નહીં. ચૌધરીએ એકવાર કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ગંગોપાધ્યાયને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બને.

ઉત્તર બંગાળની એક મહિલાએ કોવિડના કારણે પતિના મૃત્યુ બાદ નોકરી અને વળતરની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ગંગોપાધ્યાયે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી દ્વારા સંપત્તિ હસ્તગત કરવા અંગે મૌખિક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ટીએમસી સાંસદ કૃણાલ ઘોષકાએ કહ્યું હતું કે જજે રાજીનામું આપી દેવું જોઈએ અને અભિષેક બેનર્જી સામે ચૂંટણી લડવી જોઈએ.

પશ્ચિમ બંગાળની કથિત શાળા ભરતી કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગંગોપાધ્યાયે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા અને 32,000થી વધુ શિક્ષકોની નિમણૂંક રદ કરી હતી. જોકે જસ્ટિસ ગંગોપાધ્યાયે આપેલા શિક્ષકોની બરતરફીના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. આ કેસમાં મમતા સરકારના એક વરિષ્ઠ મંત્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જસ્ટિસ ગંગોપાધ્યાયે કથિત શાળા શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારના સમગ્ર મંત્રીમંડળને કોર્ટમાં બોલાવવાની ધમકી આપતા કહ્યું હતું કે ભારતના બંધારણ સાથે કોઈને પણ કશું કરવાનો અધિકાર નથી. મારે ચૂંટણી પંચને ટીએમસીને રાજકીય પક્ષ તરીકે માન્યતા રદ કરવા અને તેના પક્ષના લોગોને પાછો ખેંચવા માટે કહેવું પડી શકે છે.

ગંગોપાધ્યાયની પ્રારંભિક કારકિર્દી...
જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયનો જન્મ 19 ઓગસ્ટ, 1962ના રોજ થયો હતો. કલકત્તા યુનિવર્સિટીની હાજરા લો કોલેજમાંથી સ્નાતક ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસીસમાં ગ્રેડ એ અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

રેકોર્ડ્સ દર્શાવે છે કે જ્યારે ન્યાયાધીશે જમીન મહેસૂલ અધિકારી તરીકે સ્થાનિક ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી હતી, ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું અને કોલકાતા પાછા ફર્યા હતા. ત્યારબાદ તેણે તેની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી અને ઘણી વીમા કંપનીઓ અને વીમા નિયમનકાર માટે પેનલ વકીલ રહ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎