લોકસભાનો પ્રથમ તબક્કોઃ સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 63.25 ટકા મતદાન, જાણો વિવિધ રાજ્યોમાં મતદાનની સ્થિતિ...
- 19 Apr, 2024
લોકસભાના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 63.25 ટકા મતદાન થયું છે.બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે બિહારમાં 46.32 ટકા વોટિંગ થયું છે.
લોકસભાના પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશમાં 53.02 ટકા, અસમમાં 60.70 ટકા, છત્તીસગઢમાં 58.14 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 57.09 ટકા, લક્ષદ્રીપમાં 43.98 ટકા, મધ્યપ્રદેશમાં 53.40 ટકા, મહારાષ્ટ્રમાં 44.12 ટકા, મણિપુરમાં 62.58 ટકા, મેધાલયમાં 61.95 ટકા મતદાન થયું હતું.
મિઝોરમમાં 48.93 ટકા, નાગાલેન્ડમાં 50.61 ટકા, પોન્ડીચેરી 58.86 ટકા, રાજસ્થાનમાં 41.51 ટકા, સિક્કિમમાં 52.72 ટકા, તામિલનાડુંમાં 50.80 ટકા, ત્રિપુરામાં 68.35 ટકા, ઉત્તરપ્રદેશમાં 47.44 ટકા, ઉત્તરાખંડમાં 45.53 ટકા, પશ્ચિમ બંગાળમાં 66.34 ટકા, બિહારમાં 39.73 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા અંતર્ગત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો માટે મતદાન થયું હતું. આ પૈકીની 9 સીટ એવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે. વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કમની 92 વિધાનસભા સીટો પર પણ વોટિંગ થયું હતું.
ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ વોટર્સ છે. આ પૈકીના 8.4 કરોડ મહિલા વોટર્સ છે. તેમાંથી 35.67 લાખ વોટર્સ એવા છે, જે પ્રથમ વખત વોટિંગ કરશે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. તેમના માટે 1.87 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે.
તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ કે સ્ટલિને ચેન્નાઈમાં મતદાન કેન્દ્રમાં પહોંચીને વોટિંગ કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ પછી તેમણે કહ્યું હતું કે ખૂબ ઉત્સાહ છે. હું આજે અપીલ કરવા માંગું છું કે આ લોકશાહીનો તહેવાર છે. વોટિંગ જરૂર કરજો. તમારો વોટ આપણી લોકશાહી, આપણ દેશને મજબૂત કરશે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન દરમિયાન છત્તીસગઢમાં IED બ્લાસ્ટના સમાચાર આવ્યા હતા. આ ઘટનામાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો છે. બીજી તરફ મણિપુરમાં ફાયરિંગના સમાચાર છે. પશ્ચિ બંગાળના કૂચ બિહારના ચંદામારીમાં મતદાન કેન્દ્રની સામે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ભાજપે આરોપ લગાવ્યો છે કે ચંદામારીમાં વોટરોને રોકવા માટે ટીએમસી કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં બીજેપીનો એક પોલિંગ એજન્ટ ઘાયલ થયો છે.