અમદાવાદમાં બિલ્ડરો પર ઇન્કમટેક્સના દરોડા, અવિરત ગ્રુપ- શિપરમ ગ્રુપ સહિત બિલ્ડરોના ત્યાં સર્ચ ઓપરેશન

- 03 Nov, 2023
અમદાવાદમાં આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ જેટલા બિલ્ડર ગ્રૂપ અને બ્રોકરોની ઓફિસ અને સાઇટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈન્કમટેક્સના 150થી વધુ અધિકારી અને કર્મચારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. ઇન્કમટેકસ વિભાગના સર્ચ ઓપરેશન બાદ મોટી હકીકત બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ શહેરના બેથી ત્રણ બિલ્ડર ગ્રૂપ ઉપર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સાયન્સ સિટી રોડ સહિત અનેક એરિયામાં બિલ્ડિંગ પ્રોજેક્ટ કરનાર ત્રિકમ પટેલ અને અનિલ પટેલના બિલ્ડર સહિતના બે ડઝન સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલ સહિત શિપરમ ગ્રુપ સહિત 3 ગ્રૂપના ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ઇન્કમટેક્સ વિભાગના 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા લાગી રહી છે. મોડી સાંજ સુધી ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી ચાલી શકે તેમ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ