નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરે એસીબીનું સર્ચ ઓપરેશન : 1.20 લાખની લાંચ લેવાના મામલે કોર્ટમાં રજૂ કરાયા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_120823_download (2).webp)
- 04 May, 2024
1.20 લાખની લાંચ લેનારા નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરે એસીબીએ સર્ચ કર્યું હતું. જેમાં તેમના ઘરેથી વધુ 30 લાખ રૂપિયાની રોકડ મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. બીજી તરફ આરોપીને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ખાસ એસીબી જજ બી.ડી.બુદ્ધદેવે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. 1.20 લાખની લાંચ લેનારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવને ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.
જ્યાં સરકારી વકીલ રવીનાથ ઠાકરે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપીએ લાંચ લીધાનું રેકોર્ડિંગ છે તે આરોપીના હાજરીમાં વેરિફાય કરવાનું છે, આરોપીએ જે પ્રમાણે લાંચ માગી હતી અને સ્વીકારી હતી તે જોતા અન્ય કોઇ સરકારી કર્મચારીની તેમાં સંડોવણી છે કે નહીં?, આરોપીએ ત્રણ મહિનામાં 28 લાખના બિલો કચેરીમાંથી મૂક્યા હતા. જેમાં કપાત ઓછી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે , આરોપીના ઘરેથી સર્ચ દરમિયાન 30 લાખ રોકડા મળ્યા છે તે રકમ અંગે તે કોઇ ખુલાસો કરતો નથી તો આટલી મોટી રકમ ક્યાંથી આવી ?
આરોપીએ આ રીતે સત્તાનો દૂરઉપયોગ કરી કોણે કોણ લાભ કરાવ્યો સહિતના વિવિધ મુદ્દાની તપાસ કરવા માટે પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે. જો કે, આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, પોલીસ જે મુદ્દે તપાસ કરી રહી છે તેમાં આરોપીની હાજરી જરૂર નથી, પોલીસે તમામ મુદ્દે તપાસ કરી લીધી છે તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની દલીલ સાંભળી કોર્ટે આરોપીને સોમવાર સુધીના રિમાન્ડ પર સોંપ્યો છે. ધંધુકા તાલુકાના ૫૪ ગામમાં પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થાની રિપેરિંગ કામ કરતા વ્યક્તિએ તેના મહેનતાણાના બિલો નાયબ કાર્યપાલક ઈજનેરની ઓફિસમાં મોકલી આપ્યા હતા. પરંતુ ઘણા સમયથી બિલો પાસ કરવામાં આવતા ન હતા.
ઈજનેર સાથે વાત કરતા તેણે ચાર મહિનાના બિલો પાસ કરવા અને તાત્કાલિક આગળ મોકલી આપવા માટે થઈને લાચ માંગી હતી. તેમાં ચાર મહિનાના બિલો પાસ કરાવવા માટે એક મહિનાના બિલ દીઠ રૂપિયા 30,000ની માગણી કરી હતી એટલે ચાર બિલો માટે 1.20 લાખ માગ્યા હતા. આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાઈ હતી જે મામલે એસીબીએ ડિકોય ટ્રેપ ગોઠવીને નાયબ કાર્યપાલક ઈજનેર વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવને લાંચના રૂપિયા 1.20 લાખ સ્વીકારતા રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ