મેક્સિકોમાં એક બાળક સહિત 9નાં મોત: ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલું સ્ટેજ ભારે પવનનાં પગલે તૂટી પડતા સર્જાઈ દુર્ઘટના
- 23 May, 2024
ઉત્તર મેક્સિકોમાં ચૂંટણી રેલી માટે તૈયાર કરવામાં આવેલું સ્ટેજ ભારે પવનના પગલે અચાનક તૂટી પડતા 9 લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે ન્યુઈવો લિયોન રાજ્યમાં બની હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર અલવારેઝ માયાન્ઝ પણ હાજર હતા. જોકે તેમને પણ ભાગવાનો વારો આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું કે લોખંડના થાંભલાઓ નીચે દબાયેલા લોકો ચીસો પાડી રહ્યાં છે. આ સિવાય કેટલાક ઘટના સ્થળેથી ભાગી રહ્યાં છે અને કેટલાક કૂદી-કૂદીને બહાર નીકળી રહ્યાં છે. આ અંગે માયનેઝે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટનાને પગલે તેમણે આગામી કાર્યક્રમોને રદ કર્યા છે. દુર્ઘટનાનો ભોગ બનનારા લોકોમાં આઠ વયસ્ક અને એક બાળક સામેલ છે.
પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જ્યોર્જ અલ્વારેજ મેનેજે સોશિયલ મીડિયા પર કહ્યું કે એક રાજકીય કાર્યક્રમમાં ભારે પવનને કારણે સ્ટેજ તૂટ્યું હતું. આ દરમિયાન હું પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે મારી ટીમના અનેક સભ્યોને ઈજા થઇ છે. તોફાનને કારણે હવે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
ન્યુઈવો લિયોન ગવર્નર સેમ્યુઅલ ગારસિયાએ આ અંગે જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઈજાગ્રસ્તોને જોવા માટે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ત્રણ લોકોનું હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું. પાર્ટીએ વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાના પગલે કેમ્પેન કોઓર્ડિનેટરનો પણ પગ તૂટી ગયો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગવર્નરે લોકોને વાવાઝોડાનાં પગલે ઘરમાં રહેવાની સલાહ આપી છે.
મેક્સિકોના પ્રેસિડન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેસ ઓબ્ડ્રાડોરે આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકો અંગે સહાનુભુતિ દર્શાવી હતી. ઘટનાના પગલે સમગ્ર મેક્સિકોમાં હાલ શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે અને જૂનમાં પ્રેસિડેન્શિયલ, સ્ટેટ અને મ્યુનિસિપલ ચૂંટણીઓ માટેના કેમ્પેન ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.